સમગ્ર દાહોદ જિલ્લા સહિત શહેરમાં કોરોના વાયરસના અજગર ભરડામાં છે. ત્યારે હવે સરકારી સુવિધાઓ હવે પુરતા પ્રમાણમાં નહી રહે અને સમગ્ર માળખુ તૂટી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે દાહોદ ના શહેરીજનો લોકડાઉન વિશે મનોમંથન કરી રહ્યા હતા. તેવા સમયમાં નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે બોલાવેલી બેઠકમાં વેપારીઓ વચ્ચે સર્વસંમત્તિ સધાતા હવે શુક્ર, શનિ અને રવી લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.
રવિવારે મળેલી આ બેઠકમાં વેપારીઓ, સામાજિક સંગઠનો તેમજ પાલિકાના સત્તાધીશો વગેરે ઉપસ્થિત હતા. મહત્તમ વેપારીઓનો મત લોકડાઉનના વિરોધમાં હતો. ત્યારે કેટલાકે જાન હૈ તો જહાંન હૈની વાત પણ કરી હતી. વાતાવરણ જોતા સ્પષ્ટ જણાતું હતુ કે લોકડાઉન કોરોનાને રોકવા અસરકારક નથી તો એમ પણ જણાતુ હતુ કે સ્વૈચ્છિક લોકડાઉનની વાત હતી એટલે ઘણાંએ જાણે તેનો છેદ જ ઉડાવી દીધો. જો કાયદાની કલમ વડે લોકડાઉનનો પત્ર લખવામાં આવ્યો હોત તો પરિણામ કંઇક જુદું જ આવતુ તે નિશ્ચિત છે.
આમ આ લોકડાઉન કરવામાં આવશે. પરંતુ આગામી ચાર દિવસમાં જ ઘણું મોડુ થઇ જવાની દહેશત આરોગ્ય સેવા સાથે જોડાયોલા તજજ્ઞો જ વ્યક્ત કરી રહ્યા છે. આરોગ્ય સેવા ઠપ થઇ જવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. જેથી આ ચાર દિવસમાં દવાખાનાઓથી માંડી જનસામાન્યની સ્થિતિ વણસી જવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.