દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ
સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ, કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત
દાહોદ તા.09
દાહોદ જિલ્લામાં વિકસતી જાતિ (બક્ષીપંચ) વિભાગ હસ્તકની 61 છાત્રાલયો હાલ ચાલી રહી છે, જેમાંથી કેટલીક છાત્રાલયો સરકારના નિયમોનુસાર વ્યવસ્થિત ચાલી રહી છે, જ્યારે કેટલીક છાત્રાલયો મા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાની ગંભીર ફરિયાદો ઉઠી રહી છે.
દાહોદ જીલ્લામા ચર્ચાતી વાતો મુજબ કેટલીક છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને મેનૂ પ્રમાણે ભોજન આપવામાં આવતું નથી, અને કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓએ જાતે રસોડામાં ભોજન બનાવવું પડે છે. આશ્ચર્યજનક રીતે, કેટલીક છાત્રાલયોમાં ગેસની સુવિધાને બદલે લાકડાના ચૂલા પર ભોજન બનાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે જોખમી છે. આ ઉપરાંત, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, પૂરતાં બાથરૂમ, શૌચાલય અને બેડની વ્યવસ્થાનો પણ અભાવ પણ કેટલીક છાત્રાલયોમા જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે અભ્યાસ કરી શકે તે માટે દરેક વિદ્યાર્થી દીઠ માસિક રૂ. 2160ની ગ્રાન્ટ આપે છે, પરંતુ આ ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની વ્યાપક ચર્ચાઓ છે.
લોકમુખે ચર્ચાતી વાતો મુજબ, કેટલીક છાત્રાલયો માત્ર કાગળ પર અથવા થો ભુતીયા વિધાર્થીઓથી ચાલતી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે કેટલીકમાં મંજૂર કરાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે છે. અને મંજુર થયેલી સંખ્યાની પુરેપુરી ગ્રાન્ટ સંસ્થાઓને સરકાર દ્વારા ચુકવવામા આવતી હોવાનુ પણ ચર્ચાઓના માધ્યમથી જાણવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારની આશંકા ઉભી થઈ છે, અને રાજ્ય સરકારની ઉચ્ચ કક્ષાની ટીમો દ્વારા તપાસ થાય તો મોટા પાયે ગેરરીતિઓ બહાર આવવાની શક્યતા છે.
સરકારનો ઉદ્દેશ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી છે. આ માટે સરકારે પૌષ્ટિક ભોજન, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છ બાથરૂમ-શૌચાલય, બેડ અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી સોંપી છે.
વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે સરકારે હેલ્પલાઈન નંબરો શરૂ કર્યા છે, જેથી વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ સીધી સરકાર સુધી પહોંચાડી શકે. છાત્રાલયોમાં પૂરી પાડવાની સુવિધાઓમાં મેનૂ પ્રમાણે ગુણવત્તાયુક્ત ભોજન, શુદ્ધ પીવાનું પાણી, પૂરતાં બાથરૂમ-શૌચાલય, દરેક વિદ્યાર્થી માટે બેડ અને અભ્યાસ માટે શાંત વાતાવરણનો સમાવેશ થાય છે.
આ સમસ્યાઓના નિવારણ માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેમાં નિયમિત તપાસ, ગેરરીતિ આચરનાર સંસ્થાઓની ગ્રાન્ટ રદ કરવી અને જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહીનો સમાવેશ થાય છે.
સાથે રાજ્ય સરકાર દ્વારા છાત્રાલયોનું સતત મોનીટરીંગ અને ચેકિંગ કરવુ અને છાત્રાલયોમા આધુનિક રસોડા તેમજ ગેસની સુવિધા ફરજિયાત કરવી જોઈએ.
દાહોદ જિલ્લાની કેટલીક છાત્રાલયોમાં વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ એક ગંભીર મુદ્દો છે, અને સરકારે દાહોદ જીલ્લાની તમામ છાત્રાલયોના તપાસના આદેશ આપી વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ આપવાનો છે, પરંતુ તેનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે સરકારની કડક વહીવટી ઈચ્છાશક્તિ જરૂરી છે.