પ્રિયવદનભાઇ દેસાઇ 12 વર્ષની નાની વયે 1942માં દાહોદની ગડીના કિલ્લા પર તિરંગો લહેરાવી અંગ્રેજી હુકુમતને પડકાર ફેકયો હતો
અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
દાહોદની અમૃતવાડી સોસાયટી સ્થિત પ્રિયવદનભાઈ ભગવાનદાસ દેસાઈનું આજે તા.૧૨.૧૦.’૨૧ ના રોજ અવસાન થતા શહેરમા ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.
૯૨ વર્ષીય પ્રિયવદનભાઈ દેસાઈ, દાહોદના સ્વાતંત્ર્ય સંગ્રામના લાસ્ટ લેજન્ડ હતા! તા.૩૦.૭.૧૯૩૦ ના રોજ જન્મેલા પ્રિયવદનભાઈ, દેશદાઝને લઈને વિદ્યાર્થીકાળથી જ સ્વતંત્રતા સંગ્રામના જે તે કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. જે અંતર્ગત ૧૯૪૨ ના ભારત છોડો આંદોલન વખતે નાની વયે પણ તેમને ક્રાંતિ દાખવીને દાહોદની ગઢીના કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તે બદલ તેમને ૧૫ માસ, ૧ દિવસના જેલવાસ સાથે રૂ.૩૦ ના દંડની સજા થઈ હતી. (જોકે તે સમયે નાની ઉંમર હોઈ તેમને દાહોદની જેલમાં જ કાચી જેલની સજા થઈ હતી.)
૧૯૯૬-‘૯૭ માં સુરેશભાઈ શેઠે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા દાહોદ પાલિકા પ્રમુખ નલીનકાંત મોઢિયાના અધ્યક્ષસ્થાને તે સમયે હયાત હોય તેવા દાહોદના ૨૫ જેટલા સ્વતંત્રતાસેનાનીઓનો સન્માન સમારંભ યોજેલો. જેમાં દાહોદના નગરશેઠ ગિરધરલાલ શેઠ, પ્રિયવદનભાઈ દેસાઈ સહિત તમામ હયાત ૨૫ સ્વતંત્રતાસેનાનીઓ સન્માનિત થયા હતા.(જે સમયે સન્માન સમારંભ માણવાની તક મને પણ મળી હતી. પણ ત્યારે ફોટા માટે હવે હાથવગા એવા મોબાઈલનો જમાનો ન હોઈ ફોટા ઉપલબ્ધ નથી.)
અત્રે એક આડવાત યાદ આવે છે કે ફ્રીડમ ફાઈટર્સ પેન્શન સ્કીમ (FFPS) આઝાદીની પચ્ચીસમી સંવત્સરીના વર્ષ નિમિત્તે 15 ઓગસ્ટ 1972ના રોજ દાખલ કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના સ્વતંત્રતા સેનાનીઓને મળતું પેન્શન પણ ગિરધરલાલ શેઠ અને પ્રિયવદનભાઈ દેસાઈ, એ બે જણે ક્યારેય લીધું નથી જે ગૌરવપ્રદ છે.
ગત વર્ષે જ રામચંદ્ર શુક્લના “પંચમહાલનો સ્વાતંત્ર્ય સંગ્રામ” પુસ્તક માટે ત્યારે ૯૧ વર્ષના પણ સ્વસ્થ એવા પ્રિયવદનકાકાને મળવાનું થયેલું ત્યારે દાહોદના વર્તમાનની માફક ઈતિહાસમાં પણ મારો રસ જોઈને કાકા સાથે દોઢ-બે કલાક ગોઠડી માંડવાની તક મળી હતી અને ઘણી ઘણી રસપ્રદ વાતો જાણવા મળી હતી.