આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો
આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો
આમ આદમી પાર્ટી (AAP)એ દાહોદ જિલ્લામાં પોતાના સંગઠનને મજબૂત કરવા અને લોકોને જોડવા માટે ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’ની શરૂઆત કરી છે. આ અભિયાનનો શુભારંભ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ ખાતે કર્યો હતો. આ અભિયાનના ભાગરૂપે દાહોદ જિલ્લાના નવ તાલુકાઓમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે સદસ્યતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારીયાએ આજે એક પત્રકાર પરિષદને સંબોધીને આ અભિયાન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી (BJP)નું શાસન છે, પરંતુ આ દરમિયાન ભાજપે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું છે. દાહોદ જિલ્લાની જનતા આજે પણ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવી સમસ્યાઓથી પીડાઈ રહી છે.
રાકેશ બારીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી એક ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે, જે દાહોદ જિલ્લામાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમે યુવાનો, શિક્ષિત વર્ગ, બેરોજગારો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા ઇચ્છતા તમામ લોકોને પાર્ટીમાં જોડાવા આહ્વાન કરીએ છીએ.”
દાહોદ જિલ્લામાં 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય
રાકેશ બારીયાએ દાહોદ જિલ્લાના નવ તાલુકાઓમાં 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને લોકો સાથે સંપર્ક કરશે અને તેમને આમ આદમી પાર્ટીમાં જોડાવા પ્રોત્સાહિત કરશે. તેમણે જણાવ્યું કે, “અમે દાહોદ જિલ્લાના દરેક ઘર સુધી પહોંચીશું અને લોકો સાથે સીધો સંપર્ક સ્થાપીશું. અમારો ધ્યેય ભાજપના શાસનને જડમૂળથી ઉખેડી નાખવાનો છે, અને આ માટે અમે પૂરેપૂરી તૈયારી સાથે કામ કરી રહ્યા છીએ.”
સદસ્યતા માટે સરળ પ્રક્રિયા
આમ આદમી પાર્ટીમાં જોડાવા ઇચ્છતા લોકો 9512040404 નંબર પર મિસ્ડ કોલ આપીને સદસ્ય બની શકે છે. જે લોકો પાસે મોબાઇલ નથી, તેઓ સદસ્યતા ફોર્મ ભરીને પણ પાર્ટીના સદસ્ય બની શકે છે. રાકેશ બારીયાએ વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.
વિસાવદરની જીતે આપ્યું બળ
વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની તાજેતરની જીત બાદ લોકોનો પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. રાકેશ બારીયાએ જણાવ્યું કે, “વિસાવદરની જીત બાદ લોકો સતત અમારો સંપર્ક કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આગળ આવીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે. આ યોગ્ય સમય છે દાહોદ જિલ્લામાં પરિવર્તનના આંદોલનમાં સામેલ થવાનો.”
યુવાનો અને સામાન્ય લોકોને આહ્વાન
આમ આદમી પાર્ટીએ ખાસ કરીને દાહોદ જિલ્લાના યુવાનોને પોતાની સરકાર બનાવવા માટે પાર્ટીમાં જોડાવા આહ્વાન કર્યું છે. રાકેશ બારીયાએ કહ્યું, “દાહોદ જિલ્લાના યુવાનો વારંવાર પેપર લીકથી હેરાન છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી તેમનું શોષણ થઈ રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈને દાહોદ જિલ્લામાં પરિવર્તન લાવે.”
ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર
પત્રકાર પરિષદમાં રાકેશ બારીયાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કર્યું છે. કોંગ્રેસ ભાજપની ખીસ્સામાં છે અને બંને મળીને લોકોને લૂંટે છે. આ બંને પર ભરોસો રાખવો નહીં. આમ આદમી પાર્ટી હવે દાહોદ જિલ્લાનો એકમાત્ર વિકલ્પ છે.”
આમ આદમી પાર્ટીની ખાસિયત
રાકેશ બારીયાએ ઉમેર્યું કે, “ભાજપ અને કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીમાં ભાઈ-ભત્રીજાવાદ નથી. અમારી પાર્ટીમાં તમામ વર્ગના લોકોને આગળ વધવાનો સમાન મોકો મળશે. અમે દાહોદ જિલ્લાના હિત, લોકોના હિત અને તેમના પરિવારની ભલાઈ માટે કામ કરીએ છીએ.”
દાહોદ જિલ્લામાં પરિવર્તન યજ્ઞની શરૂઆત
આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં પરિવર્તન યજ્ઞની શરૂઆત કરી છે. રાકેશ બારીયાએ કહ્યું, “દાહોદ જિલ્લાના યુવાનો અને દરેક વર્ગના લોકોએ દિવસ-રાત મહેનત કરીને આ યજ્ઞમાં પોતાની આહુતિ આપવી પડશે. આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના દરેક ઘરે પાંચ વખત પહોંચશે અને દરેક વ્યક્તિને પોતાનો સદસ્ય બનાવશે.”
દાહોદ જીલ્લા આપ પ્રમુખની અપીલ
દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારીયાએ જિલ્લાના તમામ નાગરિકોને આમ આદમી પાર્ટીમાં જોડાઈને દાહોદ જિલ્લામાં પરિવર્તન લાવવા માટે સહકાર આપવા અપીલ કરી છે.