દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ ના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે આગામી સમયમાં જો પરિસ્થિતિ પર કાબુ નહિ મેળવવાં આવે તો સરકારી વ્યવસ્થાઓ પણ પુરતી નહી રહે તેમ લાગી રહ્યુ છે. ત્યારે આવે કઠીન સમયમાં દાહોદમાં લોકડાઉન કરવું જરુરી હોવાનું લોકો વિચારી રહ્યા છે. ત્યારે નગર પાલિકા પ્રમુખે આગામી મંગળવારથી દાહોદ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની શહેરીજનો ને અપીલ કરી છે ત્યારે શહેરના હિતમાં તે કેટલી કારગર નીવડશે તે હાલ કહેવુ મુશ્કેલ છે. બીજી તરફ કોરોનાની ગતિને રોકવા માટે હવે તે અનિવાર્ય હોવાનો મત પ્રબળ બની રહ્યું છે.
દાહોદ જિલ્લામાં ગઇ કાલ સુધી નોંધાયેલા કુલ કોરોના દર્દી 3751 છે. 2060 કેસ શહેરી વિસ્તારના છે. તેમાંથી મહત્તમ કેસ દાહોદ શહેરના છે અને કોરોના કાળના પ્રારંભથી જ દાહોદ શહેર તેમાં આગળ રહ્યુ છે. હાલમાં દાહોદ શહેરમા કોરોનાના દર્દી વધી રહ્યા છે ત્યારે બજારોમાં ઉમટતી ભીડ સામે કોરોના નાથવાના તમામ પ્રયત્નો નિષ્ફળ પુરવાર થઇ રહ્યા છે.
દાહોદ શહેરની એક માત્ર સરકારી ઝાયડસ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરના અન્ય ખાનગી દવાખાનાઓમાં પણ પુરતા બેડ ઉપલબ્ધ નથી. વહીવટી તંત્રએ મોટા ભાગના દવાખાનાઓને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી દીધી છે. તેમ છતાં દવાખાનાઓમાં સરળતાથી બેડ મળતા નથી. દાહોદ કોરોના ની ગંભીર પરિસ્થિતિ તરફ ધકેલાય રહ્યુ હોવાની શહેરમાં ચર્ચાઓ છે. ત્યારે સોશિયલ મીડીયામાં સ્વૈચ્છિક લોકડાઉન વિશે ચર્ચા ઉભી થઇ છે. તેમાં લોકડાઉનને સીધી કે આડકતરી રીતે સમર્થન મળતુ હોવાનું તારણ નીકળી શકે તેમ છે. જોકે, ઘણાં લોકો લોોકડાઉનને ઉકેલ માનતા પણ નથી.
ત્યારે હવે દાહોદ નગર પાલિકાના પ્રમુખે આજે સોશિયલ મિડીયામાં એક અપીલ કરી છે. જેમાં જણાવ્યુ છે કે કોરોનાનો બીજો સ્ટ્રેઇન ખતરનાક છે. કેટલાયે લોકોને ગુમાવવા પડ્યા છે ત્યારે હવે સોમવારે 4 વાગ્યા સુધીમાં જરુરી ચીજ વસ્તુઓની ખરીદી કરી લેવા અનુરોધ કરાયો છે. તેની સાથે મંગળવારથી સપ્તાહ કે દસ દિવસનુ લોકડાઉન કરવાની ગંભીર અપીલ કરવામાં આવી છે. હાલ તો નાગિરકો સમર્થન આપી રહ્યા છં પરંતુ લોકડાઉનને સફળ બનાવી કોરોનાને રોકવા માટે વેપારી સંગઠનો સાથે શહેરીજનોનો કેટલો સંગાાથ સાંપડે છે તેના પર બધું જ નિર્ભર છે.