- ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનું કોરોનાથી નિધન
- બે દિવસ અગાઉ જ સહકાર વિભાગના નાયબ સેક્શન ઓફિસરનું પણ કોરોનાથી અવસાન થયું હતું
ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી સ્થિતિ અતિગંભીર બની છે. કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યાં છે. એવામાં સચિવાલય કેમ્પસમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત આવી રહ્યા છે. ત્યારે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનું કોરોનાને કારણે અવસાન થયું છે. સચિવાલય કેમ્પસમાં માત્ર ત્રણ જ સપ્તાહમાં SO, Dy.SO સ્તરના આ પાંચમા અધિકારીનુ અવસાન છે.
2 દિવસ પહેલાં જ નાયબ સેક્શન ઓફિસરનું કોરોનાથી મોત
હજુ બે દિવસ પહેલાં જ સહકાર વિભાગમાં નાયબ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય ચિરાગ સોલંકીનું કોરોનાથી અવસાન થયું હતું, જ્યારે 6 દિવસ પહેલાં જ વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ નિધન થયું હતું. ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે. ઓગસ્ટ 2020માં સરકાર દ્વારા 58 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયક (IPS)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન 12મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું.
સચિવાલયમાં પણ કોરોનાનો પગપેસારો
રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે, જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે, જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયા છે.