દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને કાબુમાં લેવા વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડી અને પોલીસ વડા હિતેશ જોયસરે ફતેપુરાના કમ્યુનિટી હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વિસ્તારની કોવીડ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
દાહોદ કલેક્ટર ખરાડીએ ઉપસ્થિત આરોગ્ય અધિકારી તેમજ કર્મચારીઓને સર્વેલન્સની કામગીરીની અગત્યતા જણાવી હતી અને સર્વેલન્સની કામગીરી વધારવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કન્ટેઇનમેન્ટ વિસ્તાર પર પણ ચાંપતી નજર રાખવા જણાવ્યું હતું અને ત્યાં પણ વારંવાર મુલાકાત લેતા રહેવા જણાવ્યું હતું. કોરોના સંક્રમણ નિયત્રણમાં લાવવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામા તેમજ કરફ્યુની કડક અમલવારી થાય એ માટે તેમણે સૂચન આપ્યું હતું. બેદરકાર વ્યક્તિઓને જરા પણ ન બક્ષવા અને કડક કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું.
તેમણે લોકોમાં માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા જેવી બાબતો પ્રત્યે સભાનતા આવે અને કોરોનાકાળમાં આ નાની પણ મહત્વની બાબતોનું અવશ્ય પાલન કરે તે માટે જણાવ્યું હતું. સાથે જ ૪૫ કે તેથી વધુ વયના તમામ નાગરિકો પણ વેક્સિન સત્વરે લઇ લે એ માટે લોકોને હકારાત્મક સમજ આપવા તેમણે જણાવ્યું હતું.