સિંગવડ ગામમાં ચોરીની ઘટનાઓ વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસને કરી રજૂઆત
Advertisement
સીંગવડ તા.14
સિંગવડ ગામ તસ્કરો માટે જાણે મોકલું મેદાન બન્યું હોય તેમ ચોરીની ઘટનાઓને તસ્કરો અંજામ આપીને ફરાર થઈ જાય છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સિંગવડ નગર માં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો તરખાટ મચાવતા આજે સિંગવડ ગામના જાગૃત ગ્રામજનોએ રણધીકપુર પોલીસ મથકનો પીઆઇ એન.કે.ચૌધરી ને લેખિતમાં આવેદનપત્ર આપી રાત્રી દરમિયાન ચોરી થતી અટકાવવા રજૂઆત કરી હતી.
સિંગવડ નગરમાં રાત્રી દરમિયાન તસ્કરોએ આતંક મચાવ્યો છે, ત્યારે પોલીસના ગ્રામરક્ષક દળ તેમજ હોમગાર્ડના જવાનો કેટલાક સમયથી કાયમી ગેરહાજરી જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોએ આજ રાતથી જ રાત્રી દરમિયાન પોતાના કિમતી સામાનની સુરક્ષા માટે જાતે જ રોન ફરવાની શરૂઆત કરશે તેવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં રણધીકપુર પોલીસ મથકના પીઆઇ એન.કે.ચૌધરી તેમજ પીએસઆઇ જી.બી.રાઠવા એ ગ્રામજનોને રણધીકપુર પોલીસને સહકાર આપવા જણાવ્યું હતું જ્યારે બહાર ગામના રહેવાસીઓ કેટલાક મકાનોમાં ભાડે રહેતા હોય મકાનમાલિકોએ પોલીસ વેરિફિકેશન કરવા માટે ખાસ સૂચના આપી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો મકાન માલિકની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. સીંગવડ ગામમા પુરતા હોમગાર્ડ અને જી.આર.ડી. ના પોઈન્ટ ગોઠવવા માટે તેમજ જરૂરિયાત પડે તો વધૂ પોલીસના જવાનો ગોઠવીને સીગવડ મા થતી ચોરીઓ અટકાવવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી.