કોરોના સંક્રમણ માંથી સારવાર લઈને સાજા થયેલા દર્દીઓનું મૃત્યુ થવાનું કે તેમને અન્ય કોઈ ગંભીર બિમારી થવાનો ખતરો હોય છે તેમ વોશિંગ્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે . સાજા થયેલા દર્દીઓને ૬ મહિના સુધી આવા જોખમોનો સામનો કરવાની વધુ નોબત આવી છે . આવા જોખમી લોકોમાં એવા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે કે જેમને કોરોનાનું સંક્રમણ થયું હોય પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડી હોય . કોરોનાનાં અત્યાર સુધી કરાયેલા અભ્યાસમાં આ ગંભીર બાબત સામે આવી છે . નેચર પત્રિકામાં આ અભ્યાસ પ્રસિધ્ધ કરાયો છે જેમાં એવું જણાવાયું છે કે આવનારા કેટલાક વર્ષો સુધી વિશ્વની વસ્તી ઉપર કોરોનાની બિમારીનો બોજ પડવાનું ચાલુ રહેશે . અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ મેડિસિનનાં રિસર્ચર્સ દ્વારા કોરોના સાથે સંલગ્ન બિમારીઓની એક યાદી બનાવવામાં આવી છે જેમાં કોરોના પછી થનારી બિમારીનો ઉલ્લેખ કરાયો છે .
કોરોના શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે
અભ્યાસમાં જણાવાયું છે કે કોરોનામાં પહેલા શ્વાસને લગતી બિમારી શરૂ થાય છે પણ પછી તે શરીરનાં તમામ અંગોને પ્રભાવિત કરે છે . આ અભ્યાસમાં કોરોનાનાં 87 હજાર દર્દીઓ તેમજ 50ઝ લાખ અન્ય દર્દીઓ કે જેઓ કોરોનામાંથી સાજા થયા હતા તેમનો અભ્યાસ કરાયો હતો . અભ્યાસનાં મુખ્ય લેખક પ્રો . ઝિયાદ અલ અલીએ કહ્યું હતું કે રોગની ખબર પડયા પછી ૬ મહિના બાદ પણ કોરોનાનાં મામૂલી કેસમાં મોતનું જોખમ ઓછું થતું નથી . અન્ય બિમારીની ગંભીરતા વધી જાય છે . ડોકટરોએ આવા દર્દીઓની લાંબા સમય સુધી સારવાર કરવી જોઈએ કે દેખભાળ રાખવી જોઈએ .