દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં કેટલાક સમયથી વિકાસના કામો ના અભાવે ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર ભરાયેલા ગંદા પાણી ના દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે.
હાલમા સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યુ છે, અને સરકાર દ્વારા સતત સ્વચ્છતા જાળવવા લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવી સ્વચ્છતા માટે સતત અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી ફતેપુરા બજાર વચ્ચે પાણી ભરાયેલું નજરે પડે છે આવી ગંદકીના સામ્રાજ્યથી મેલેરિયા અને પાણીજન્ય રોગો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે અને ખરાબ દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જ્યારે આ કાદવ કિચડ રૂપી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા પંચાયતને પણ વારંવાર રજૂઆતો કરી છે, છતાં ગ્રામ પંચાયત તંત્રના પેટનુ પાણી પણ હલતું નથી,
ફતેપુરા ગામમાં ફેલાયેલી પારાવાર ગંદકી પર ધ્યાન ગયું નથી કે પછી આંખ આડા કાન કરી નજર અંદાજ કરવામાં આવે છે, ફતેપુરા ગામના બજારમાં જાહેર માર્ગો ઉપર જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.
ફતેપુરા તાલુકા મથકનુ ગામ હોવાથી આજુ બાજુના ગામો માથી કામ અર્થે આવતા લોકોના મનમાં કાયમ માટે પ્રશ્ન ઉદ્દભવે છે, કે સ્થાનિક પંચાયતના સરપંચ કે તલાટીને ગામના જાહેર માર્ગો પર ફેલાયેલી ગંદકી નજરે ચઢતી નથી કે તેમના દ્વારા ગંદકી દૂર કરવા બાબતે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
ફતેપુરા ગામના જાહેર માર્ગો પર કાયમ માટે રહેતી ગંદકીના કારણે ગામના સ્થાનિકો તેમજ બહારથી કામ અર્થે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ ફતેપુરા ગામમા ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય તેમ લાગી રહ્યુ છે, પંચાયત દ્વારા ગામ મા દવાનો છંટકાવ પણ કરવામા આવતો નથી ગામમાં મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની દહેશત રહેલી છે.
હાલમાં ફતેપુરા નગરના પોલીસ સ્ટેશન રોડ, ઝાલોદ રોડ સરકારી દવાખાના ફળીયુ, તળાવ ની આજુ બાજુ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે
ગામમાં જાહેર માર્ગોપર રહેલી આટલી બધી ગંદકી હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા સ્વચ્છતા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગામમાં સ્વચ્છતા બાબતે પંચાયતની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, ગ્રામ પંચાયત ને સરકાર દ્વારા સ્વચ્છતા માટે ફાળવેલ ક્યાં વાપરવામા આવે છે? તેવા અનેક પ્રશ્નો જાહેર ચર્ચાનો વિષય બન્યો છે.
વિશ્વ આખું જ્યારે કોરોના સંક્રમણનો સામનો કરી રહ્યું છે,ત્યારે સ્થાનિક પંચાયત દ્વારા સ્વચ્છતા બાબતે કરવામાં આવી રહેલી આવી ઘોર બેદરકારી ગ્રામજનોને અન્ય કોઈ બીમારીમાં ધકેલી દે તો નવાઈ નહી.. ત્યારે તંત્ર આ દિશામાં યોગ્ય પગલાં ભરે તેવી લોકોની ઉગ્ર માગણી છે.