દાહોદ જિલ્લામાં કોવીડ સામે વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ
રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદના નાગરિકોને કોવીડ વેક્સીન લેવા અપીલ કરી
Advertisement
પંચાયત સમાચાર24, દાહોદ તા 21:
સમગ્ર રાજ્યની સાથે દાહોદમાં પણ કોરોના વાયરસને પરાસ્ત કરવા માટે વેક્સીનેશનના મહાઅભિયાનનો ૨૫ સેન્ટર ઉપરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડી આ મહાઅભિયાનમાં જોડાયા હતા અને દાહોદના નાગરિકોને કોવીડ વેક્સીન લઇ કોરોના સામે સુરક્ષિત થઇ જવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલી જાહેરાત મુજબ ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.
૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. એકવીસમી જૂન થી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને પાંચ હજાર કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ધાનપુર તાલુકાના રાછવા તથા દાહોદ નગરના ગારખાયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાંસદ જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડીએ બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહાનુભાવોએ દાહોદ જિલ્લાના નાગરિકોને વહેલી તકે કોરોના સામેની વેક્સીન લેવા માટે અપીલ કરી હતી.
દાહોદ જિલ્લામાં ૩.૫૦થી વધુ નાગરિકોએ કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ મૂકાવી લીધો છે. તેની સાથે ૧.૯૫ લાખથી વધુ નાગરિકોએ બીજો ડોઝ લઇ લીધો છે.
આ કાર્યક્રમ મા નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર. ડી. પહાડિયા નગર પાલિકાના કાઉન્સિલર સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.