દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા
દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવતા કર્મચારીઓની હાલત કફોડી
ડેસ્ક પંચાયત સમાચાર24,તા.06
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે ફરજ કર્મચારીઓને એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પગારની ચૂકવણી કરવામાં આવી નથી જેમાં આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર તેમજ પટાવાળા સહીત ના અંદાજીત ૪૦૦ જેટલા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહિ મળતા આ કારમી મોઘવારીમા પરીવારનુ ગુજરાન ચાવવુ મુશ્કેલ બન્યુ છે, આરોગ્ય વિભાગ ના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી આજદિન સુધી કરવામા આવી નથી, આઉટસોસિંગ કોન્ટ્રાક્ટ એજન્સી એમ.જે.સોલંકી દ્વારા પણ કર્મચારીઓને ઉડાઉ જવાબ આપવામા આવે છે, એજન્સી દ્વારા પગાર બાબતે હાથ ઉંચા કરી દેતા કર્મચારીઓની મુંઝવણ મા વધારો થયો છે, એજન્સી પગાર બાબતે જવાબદારી લેવા માટે તૈયાર નથી, આ આરોગ્ય વિભાગ ના આઉટસોર્સિંગ કર્મચારીઓએ પણ કોરોનાની મહામારીમા રાત દિવસ ખુબ જ નજીવા વેતનમાં પોતાના જીવનની ચિંતા કર્યા વગર ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી છે, ત્યારે હવે આઉટસોર્સિંગ કર્મચારીઓ પગાર માંગે તો કોની પાસે માગે તે પણ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે, અધિકારીઓ દ્વારા એજન્સી ના માથે ખો આપવામા આવે છે, અને એજન્સી અધિકારીઓને ખો આપી રહી છે, અધિકારીઓ અને એજન્સીની ખો-ખો ની રમતથી આરોગ્ય વિભાગ ના આઉટસોર્સિંગ કર્મચારીઓની હાલત કફોડી બની છે ત્યારે રાજ્ય સરકાર આ બાબતે યોગ્ય પગલા લઈ કર્મચારીઓને પગાર મળે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરુરી બન્યુ છે.