લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા
રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટે ધ્વજ વંદન બાદ બીજા દિવસે બપોર સુધી રાષ્ટ્રધ્વજ ફરકતો રહ્યો હતો
શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી છતી થઇ હતી તેમ છતા કોઈ કાર્યવાહી કરાઈ નથી*
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.25
લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રા.શાળામાં ગત 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસે શાળામા રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવવામા આવ્યો હતો, જે બીજા દિવસે પણ બપોર સુધી રાષ્ટ્રધ્વજ ફરકતો રાખી શાળાનાં આચાર્ય તથા શિક્ષકો દ્વારા રાષ્ટ્રઘ્વજનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાના મિડીયા સહિત સમાચાર પત્રોમા સમાચાર પર પ્રસિદ્ધ થયા હતા, પરંતુ આ ઘટનાને આજે પાંચ માસ જેટલો સમય વિતવા છતાં પણ જિલ્લા કક્ષાએથી કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા રાષ્ટ્રધ્વજના અપમાન જેવા સંવેદનશીલ મામલામા પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો રાષ્ટ્ર પ્રેમીઓના મનમા ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાની દાભડા ગામની તળાવ ફળીયા પ્રા.શાળામાં ગત 15મી ઓગસ્ટ 2021 રવિવારના રોજ 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય તેમજ સ્ટાફના શિક્ષકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ શાળાને તાળુ મારી પોતાના ઘરે પલાયન થઈ ગયા હતા. રાષ્ટ્રધ્વજને સૂર્યાસ્ત પહેલા માન-સન્માન સાથે નહિ ઉતારતા રાષ્ટ્રધ્વજ આખી રાત ફરકતો રહ્યો હતો જે બીજા દિવસે બપોર સુધી રાષ્ટ્રધ્વજ ફરકતો રહ્યો હતો, શાળાના આચાર્ય વીણાબેન પટેલ તથા શાળાના શિક્ષકો દ્વારા સંધ્યા કાળ પહેલા રાષ્ટ્રધ્વજ નહિ ઉતારી પોતાની ફરજમા ઘોર બેદરકારી દાખવી રાષ્ટ્રઘ્વજનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતું. જેના કારણે દાભડાના ગ્રામજનો તથા તાલુકાના રાષ્ટ્રપ્રેમી નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.16 ઓગસ્ટ 2021 સોમવારના રોજ દાભડા તળાવ ફળિયા શાળાના સી.આર.સી.ની ઉપસ્થિત મા શાળાના એક શિક્ષકે રાષ્ટ્રધ્વજને બપોરના બે વાગ્યાના સમયે સન્માનપૂર્વક ઉતારવામાં આવ્યો હતો. સી.આર.સી. એ આ સમગ્ર ઘટના મામલે શાળાના આચાર્ય તથા શિક્ષકોની ઘોર બેદરકારી સંદર્ભે શિક્ષાત્મક કાર્યવાહી માટે લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ રજૂ કર્યો હતો.
જવાબદાર કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થતાં રાષ્ટ્રધ્વજ અપમાન મામલાને દબાવી દેવાયાની આશંકા
દાભડાની તળાવ ફળીયા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા બેદરકારી દાખવી રાષ્ટ્રધ્વજના અપમાન સંદર્ભે તાલુકા શિક્ષણ વિભાગનો તપાસ અહેવાલ તેમજ સ્થાનિક ગ્રામજનોના નિવેદન સી.આર.સી.નો રિપોર્ટ શાળાના આચાર્ય વિરુદ્ધ હોવા છતાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પાંચ મહિના કરતા વધુ સમય વિતવા છતાં જવાબદારો સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી નહી થતા ભીનું સંકેલાયાની આશંકા સેવાઈ રહી છે. રાષ્ટ્રધ્વજના અપમાનની તપાસ જીલ્લા કલેક્ટર કચેરી દ્વારા સમિતિ બનાવી તટસ્થ તપાસ હાથ ધરી બેદરકારી દાખવનારા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી રાષ્ટ્ર પ્રેમીઓમાં માંગણી ઉઠી છે. ત્યારે હવે રાષ્ટ્રધ્વજ જેવા સંવેદનશીલ મામલે તંત્ર શુ કાર્યવાહી કરે છે તે જોવાનુ રહેશે.
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં સમગ્ર ઘટના મામલે દસ દિવસમાં તપાસ અહેવાલ મોકલી આપ્યો હતો.
દાભડાની તળાવ ફળિયા પ્રા.શાળામાં રાષ્ટ્રધ્વજના અપમાન સંદર્ભે શાળાની સ્થળ ચકાસણીનો CRCનો રિપોર્ટ, સ્થાનિક ગ્રામજનોના નિવેદન સાથે બેદરકારી દાખવનાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે જિલ્લા શિક્ષણ કચેરીમાં તપાસ અહેવાલ દસ દિવસમાં જ મોકલી આપ્યો હતો. ત્યાર બાદ જીલ્લા કચેરીમાંથી કોઈ સૂચના મળી નથી. (સરોજબેન ચૌધરી.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી,લીમખેડા)