ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા માટે ચુંટણી જંગ જામ્યો છે ત્યારે તેમા પક્ષપલટાની પ્રક્રિયા હજુ ચાલુ જ છે. ભાજપમાંથી કેબિનટે મંત્રીઓના રાજીનામાં બાદ આજે સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ રવિવારે લખનૌમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલુ થઈ છે. અપ્રાણ યાદવ સાથે આઈપીએસની નોકરી છોડી ચૂકેલા અસીમ અરુણ પણ ભાજપમાં જોડાશે. મળતી માહિતી મુજબ આ બંને લોકો લખનૌમાં બીજેપીના સ્ટેટ ઑફિસમાં પાર્ટીની સદસ્યતા લેશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ ચૂંટણીના સહ-પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ હાજર રહેશે.
જણાવી દઈએ કે અપર્ણા યાદવે લખનૌની કેન્ટ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણી લડી હતી જ્યારે તે બીજા ક્રમે રહી હતી. તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટા બહુગુણા જોશીએ હરાવ્યા હતા. જોકે અપર્ણાને લગભગ 63 હજાર વોટ મળ્યા હતા. અપર્ણા મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. સમાજવાદી પાર્ટીમાં હોવા છતાં અપર્ણા યાદવે ઘણી વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રવિવારે 16 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં અનેક અગ્રણી હસ્તીઓ હાજરી આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અપર્ણા પણ ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ ભાજપ તેમને લખનૌ કેન્ટ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે.