દાહોદ જિલ્લામાં મોટાભાગે વરસાદ આધારિત જ ખેતી કરવામાં આવે છે. જેથી ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિને કારણે જિલ્લાનાં ખેડૂતોને ખેતીમાં વર્ષોથી નુકસાન જ થઈ રહ્યું છે. આ વર્ષે જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દાહોદ જિલ્લાની કુલ ખેતીલાયક જમીન 2.15 લાખ હેક્ટર માંથી ફક્ત 1.25 લાખ હેક્ટર જમીનમાં મકાઇની ખેતી કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી દાહોદ જિલ્લામાં વરસાદ અનિયમિત થતા ખેડૂતોને ચોમાસાની સિઝનમાં નુકસાની જ વેચવાનો વારો આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતોની સારી ખેતીની આશા નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જૂન મહિનામાં વરસાદનું આગમન થતાની સાથે ખેડૂતોએ પોતાના ખેતરમાં જિલ્લાના મુખ્ય પાક ગણાતા એવા મકાઈનુ વાવેતર કર્યું હતું, પરંતુ ઓગસ્ટ આખો કોરો જતાં મકાઇનો પાક નિષ્ફળ જવાની દહેશત ખેડૂતોને હતી, પરંતુ પાછળથી પડેલા વરસાદી ઝાપટાઓથી મકાઇના પાકને જીવનદાન મળ્યું હતું, ત્યારે ગત શુક્રવારથી લઈને રવીવાર સુધી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. જિલ્લામાં વાવણી કરેલ પાકોમાં ખાસ કરીને વરસાદે મકાઇના પાકને ભારે નુકસાન થયુ છે, ભારે પવન અને વરસાદના કારણે મકાઈનો પાક પડી જતા ખેડૂતોને નુકસાન વેચવાનો વારો આવ્યો છે જિલ્લામાં 1.25 લાખમાંથી 1 લાખ હેક્ટરમાં મકાઇનો પાક ખેતરોમા આડો પડી ગયો હોવાનો અંદાજ લગાવવામા આવી રહ્યો છે. જીલ્લામા મકાઇનો પાક તૈયાર થઇ ગયો છે અને ડોડા પણ આવી ગયા છે. પાછળથી મકાઇની વાવણી કરનારા કેટલાંક ખેડૂતોના ખેતરોમા હજી ડોડા પરિપૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા હતાં. જિલ્લાના મોટાભાગના ખેતરોમા વરસાદી પાણી ભરાયેલા છે ત્યારે મકાઇ આડી પડી જવાને કારણે ડોડા સડી જવા સાથે તેના દાણા કાળા પડી જવાની ખેડૂતોમા દહેશત સર્જાઇ રહી છે. ત્યારે મકાઇનો પાક કપાય તે પહેલાં જ વરસાદે ખરાબી કરતાં હવે ડોડાઓ સડી જવા કે દાણા કાળા પડી જવાના કિસ્સામાં આ વખતે ઉત્પાદન ઉપર પણ વિપરીત અસર પડે તેવી દહેશત સર્જાઇ રહી છે.
જિલ્લામાં પાકોમાં અને ખાસ કરીને મકાઇમાં કેટલું નુકસાન થયુ છે તે જાણવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આખા જિલ્લામાં તંત્ર દ્વારા 20 જેટલી ટીમો બનાવી સર્વેને કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને પાકને થયેલ નુકસાન બાબતે જલ્દી જલ્દી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે.