દાહોદ જિલ્લામાં ૧ લાખથી વધુ બાલશક્તિ, ૬૭ હજારથી વધુ પૂર્ણાશક્તિ તેમજ ૨૮ હજારથી વધુ માતૃશક્તિના પેકેટના વિતરણ દ્વારા બાળકો કિશોરીઓ તેમજ માતાઓને મળી રહ્યો છે પૌષ્ટિક આહાર
દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો લઇ રહ્યાં છે પોષણ શપથ પોષણયુક્ત આહારનાં મહત્વ અંગે માર્ગદર્શક સેમિનાર દ્વારા મેળવી રહ્યાં છે જાણકારી “સહી પોષણ, દેશ રોશન”નાં સૂત્ર સાથે સમગ્ર દેશ અને રાજ્યનાં બાળકોને સુપોષિત કરવા માટે અને ભારતનાં ભવિષ્યને ઉજ્જવળ અને સ્વસ્થ બનાવવા માટે અભૂતપૂર્વ પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશની પ્રગતિ માટે પોષણ ખૂબ જરૂરી બાબત છે, જો દેશનાં તમામ નાગરિકો સુપોષિત હશે તો વિકાસની ગતિ વધુ ઝડપી બનશે.
આ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસ દરમિયાન બાળકો, કિશોરો, સગર્ભા તેમજ ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને સુપોષિત કરવા તેમજ ખાસ કરીને કુપોષણ નાબૂદ કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, સાથોસાથ પોષણયુક્ત આહાર બાબતે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ અભિયાનમાં વિશેષ રીતે પૌષ્ટિક આહાર, એનેમિયા નિયંત્રણ, સ્વચ્છતા, ઝાડા નિયંત્રણ ,બાળકનાં જીવનના સંભાળ સહિતનાં મુદ્દાઓને સાંકળી લેવામાં આવ્યાં છે. આ અભિયાનમાં આશાવર્કર બહેનો તથા આંગણવાડી બહેનોની ભૂમિકા સવિશેષ છે.પોષણયુક્ત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ૬ માસથી ૩ વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. જે અન્વયે માતાઓ દર ચોથા મંગળવારે આંગણવાડી કેન્દ્રો ખાતેથી પોષણયુક્ત કીટ મેળવી પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી રહી છે. રાજ્યસ્તરેથી આ તમામ વયજૂથનાં લોકોનાં પોષણનું ડિજીટલ રીતે નિરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.
દાહોદ જિલ્લાની વાત કરીએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૧ લાખથી વધુ બાલશક્તિ, ૬૭ હજારથી વધુ પૂર્ણાશક્તિ તેમજ ૨૮ હજારથી વધુ માતૃશક્તિના પેકેટનું વિતરણ કરવામા આવી રહ્યું છે. જિલ્લામાં ૧૯ હજારથી વધુ સગર્ભા માતાઓ વધુ ધાત્રી માતાઓ માતૃશક્તિ થકી પોષણયુક્ત આહાર લઇ રહ્યાં છે.
આ અભિયાન અન્વયે દાહોદ જિલ્લામાં પોષણ માસ-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ માસ દરમિયાન મહિલાઓ તેમજ બાળકોનાં પોષણ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાનાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રોગ્રામ ઓફિસર તેમજ સી.ડી.પી.ઓની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોને પોષણ શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. સાથોસાથ ઉપસ્થિત કાર્યકર્તા બહેનોને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.