ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યનાં 26 તાલુકાઓમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં આગામી 4 દિવસ વધુ વરસાદ પાડવાની સંભાવના છે. સપ્ટેમ્બર મહિનામાં વડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. વરસાદના ચોથા રાઉન્ડમાં ભરૂચ- વડોદરાના તાલુકોમાં ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યના 26 તાલુકામાં વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે. અને ત્રણ દિવસ હળવો વરસાદ થવાની સંભાવના છે. 25-26 તારીખે વરસાદ વધવાની સંભાવના છે. સ્થાનિક હવામાન વિભાગે પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને 25-26 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બે દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે.ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે શક્યતાઓ નથી પરંતુ 26 તારીખથી હળવો વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. એક સિસ્ટમ પ્રબળ બની રહી છે જેના કારણે રાજ્યમાં 25-26 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.